Tuesday, December 15, 2015

પપ્પા રીટાયર્ડ થાય છે..........

આજે પપ્પા રીટાયર્ડ થાય છે. શું પપ્પા કદી રીટાયર્ડ થઈ શકે ?
દરેક સંતાનનો પ્રથમ પુરુષ એકવચન એટલે પપ્પા આમ તો, પોલાદ મે કદી સ્પર્શ્યું નથી, હા, હું મારા પપ્પાને અડ્યો છું
મારા ઘરની વન મેન સરકાર એટલે પપ્પા, આત્મવિશ્વાસનો અડીખમ ગિરનાર એટલે પપ્પા, હિંમતનો દરિયો અને ક્રોધનું ઝાડ એટલે પપ્પા, સંતાનોના રક્ષણની સલામત વાડ એટલે પપ્પા

પપ્પાના મજબૂત હાથે જ્યારથી મારૂ બાવડું પકડ્યુ છે ત્યારથી મારી રગે રગમાં એક નિર્ભયતા દોડી રહી છે .
મમ્મીએ મને ડરતા શીખવ્યું, પપ્પાએ મને લડતા શીખવ્યું, મમ્મીએ મારી ઠેંસ પર મલમપટ્ટી કરી છે, પપ્પાએ ઈ ઠેંસ જોઈને મારી ધૂળ કાઢી છે, મમ્મીએ મને સંવેદનશીલ બનાવ્યો, જ્યારે પપ્પાએ મને સૈનિક બનાવ્યો છે. પપ્પા એક પ્રકૃતિ છે જેમાં સતત બદલાવ આવ્યે રાખે છે.
મમ્મીને સમજી શકાય પણ પપ્પાને સમજવા સંતાનોની ફૂટપટ્ટી હંમેશા ટુંકી પડે છે.
આ પપ્પા જે સવારે થપ્પડ મારે અને સાંજે બગીચે ફરવા લઈ જાય છે. આ પપ્પા જે પહેલા ખૂબ રોવડાવે અને પછી દિવાળીના ફટાકડા લઈ આવે. આ પપ્પા જે પોતે સાઈકલ સ્વીકારીને છોકરાવને બાઈક અપાવે. આ પપ્પા જે સંતાનોની બધી ઈચ્છા પુરી કરવા પોતાની તમામ ઈચ્છા દફનાવે.
પપ્પા જે સીઝનનું પહેલું ફ્રુટ ઘરમાં લાવે અને કોઈના થેંક્યુંની પણ અપેક્ષા ન રાખે, આ પપ્પા જે કદી કોઈનું ધાર્યું કરે નહીં અને પોતાનું ધાર્યું બઘું કરાવે. આ પપ્પાને સમજવા આપણે કદાચ ફરી જન્મ લેવો પડશે . આ પપ્પા રીટાયર્ડ થઈ શકે, ટાયર્ડ નહીં...!
તમે સ્વીકારો કે ન સ્વીકારો હું તો સ્વીકારૂ છું કે આપણા પપ્પા પાસે આપણે કંઈ જ નથી. પપ્પાની સાયકલની સીટ પર બેસીને જે દુનિયા મે જોઈ છે એ દુનિયા તો મને આજે મારી ફોર વ્હીલર કારમાંથી પણ નથી દેખાતી. ક્યાંક એ દુનિયા પપ્પા સાથે રીટાયર્ડ તો નથી થઈ ગઈ ને ?
પપ્પાએ માંડ માંડ લોન લઈને લીધેલું એ પેલુ મકાન, જેના વ્હાઈટ વોશ કરવા માટે પપ્પા પાસે પૈસા નહોતા. છતા’ય ઈંટે ઈંટે પપ્પાના પરસેવાનો કલર અમે અનુભવેલો પપ્પાને મારી કિંમત છે, ને પપ્પા મારી હિંમત છે.
એક શ્રીફળ સમુ વ્યક્તિત્વ એટલે મારા પપ્પા બહારથી કડક અને અંદરથી ભીના ભીન પપ્પાનો સ્વભાવ કદી સુધારી ન શકાય કારણ કે ઈ પપ્પા છે . પપ્પાને એની તમામ મર્યાદા સાથે સ્વીકારાય કારણ કે ઈ પપ્પા છે.
યાદ રાખજો પપ્પા નોકરીમાંથી રીટાયર્ડ થાય છે , મગજથી નહીં.... મારો અહમ, મારી બુદ્ધી, મારૂ સ્વમાન, મારૂ જ્ઞાન , મારી આવડત અને મારૂ આવું ઘણુ બધું જ.... મારા પપ્પાના પરસેવાના ચાર ટીપા સામે ક્ષુલ્લક છે.
પપ્પા હંમેશા મહાન જ હોય છે. તોય એના મહાન સંતાનો એની ક્રેડીટ મમ્મીને આપે છે. છતા પપ્પા મૌન સેવે છે. બસ એટલે જ પપ્પા મહાન છે. પપ્પાની મહાનતા કોઈ કવિઓ, લેખકો કે વિવેચકોની મોહતાજ નથી બસ એટલે પપ્પા મહાન છે.

1 comment:

  1. DEAR SIR/MADAM,
    ALL STORY ARE SO GOOD,INTERESTING..
    CAN I SHARE IT ON MY FACEBOOK AND WHATSAPP CONTACT PLEASE .........
    JIPSU PATEL

    ReplyDelete